ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધણીના લાભો.

ઈ- નિર્માણ કાર્ડ દ્વારા મેળવો વિવિધ લાભ/સહાય, સાધન સામગ્રી

ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધણીના લાભો.


ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધણીના લાભો:
---------
ઈ- નિર્માણ કાર્ડ દ્વારા મેળવો વિવિધ લાભ/સહાય, સાધન સામગ્રી
---------
      (માહિતી બ્યુરો, વ્યારા-તાપી)તા૧૨: રાજ્ય સરકાર દ્વારા ગરીબ વર્ગના ઉથ્થાન માટેની અનેકવિધ યોજનાઓ અમલી છે. જેમાં ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા કાર્યરત ૧૪થી વધુ કલ્યાણકારી યોજનાઓ દ્વારા શ્રમિક અને કારીગર વર્ગ પોતાના સાથે સમગ્ર પરિવારનું કલ્યાણ કરી શકે છે. આ યોજનાઓમાં પોતાના વ્યવસાય માટે સહાયભૂત થવાના સાધનથી માંડીને નોંધાયેલ શ્રમિકની અંત્યેષ્ઠી સુધીના સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે.
      ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, તાપી દ્વારા નોંધાયેલ બાંધકામ શ્રમયોગીઓ ૧૪ થી વધુ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવાં માટે ઇ- નિર્માણ કાર્ડ કઢાવવું જરૂરી છે. આ માટેની વધુ માહિતી માટે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ-તાપીની કચેરી, સરકારી શ્રમ અધિકારીની કચેરી, જીલ્લા સેવા સદન, બ્લોક નં-૧૨, પાનવાળી, વ્યારા, તાપીનો સંપર્ક કરવા અથવા ફોન નં.૦૨૬૨૬-૨૨૧૦૭૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
       આ કાર્ડ કઢાવવાં માટે ૧૮ થી ૬૦ વર્ષની ઉંમર હોય તેવાં લોકો તેમાં નોંધણી કરાવી શકે છે. આ માટે બાંધકામ ક્ષેત્રમાં ૯૦ દિવસથી વધુ સમયની કામગીરી કરેલી હોવી જરૂરી છે. આ નોંધણી કરાવવાં માટે આધાર કાર્ડ, ઉંમરનો પુરાવો, બાંધકામ ક્ષેત્રમાં ૯૦ દિવસથી વધુની કામગીરી અંગેનું પ્રમાણપત્ર, બેંક ખાતાની વિગત, આવકનો દાખલો અને વ્યવસાયનું સ્વયં પ્રમાણિત પ્રમાણપત્ર જરૂરી છે.
      ઈ-નિર્માણ કાર્ડ કઢાવવા માટે અરજદારોએ નજીકના CSC સેન્ટર અને E-Gram સેન્ટરનો સંપર્ક કરવો અથવા તો આ માટે પોર્ટલ https://egram.gujarat.gov.in પર લોગીન થવું જરૂરી છે. ત્યારબાદ સેવાનો વિકલ્પ પસંદ કરવો અને તે અંતર્ગત બોર્ડના લોગો પર જવું, આ પ્રક્રિયા બાદ તમે https://enirmanbocw.gujarat.gov.in પર રી- ડિરેક્ટ થઇ શકશો. તેમાં સૌ પ્રથમ બાંધકામ શ્રમિકનું લોગીન આઇ.ડી. અને પાસવર્ડ બનાવવા માટે શ્રમિકનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ શ્રમિકની વ્યક્તિગત બાબતો તથા દસ્તાવેજો નોંધણી માટેના નિયમો અને શરતોના પેજમાં વિગતો દાખલ કરવાની રહેશે. અરજી પૂર્ણ થયેથી શ્રમિકના આઇ.ડી. માંથી લોગઆઉટ કરવું. ત્યાં વી.સી.ઇ. ના ઇ-નિર્માણના લોગીનમાં ઇ-ગ્રામના ટેબ પર ક્લીક કરવું. ત્યાં વી.સી.ઇ. દ્વારા કરવામાં આવેલ તમામ નોંધણીની એન્ટ્રીઓ દર્શાવેલ હશે. તે અંતર્ગત બાંધકામ શ્રમિકનું ઇ-નિર્માણ કાર્ડ જનરેટ કરવાં માટે શ્રમિકના નામ પછીના જનરેટ આઇ.ડી. કોલમ પર ક્લીક કરવું. સીસ્ટમ ૩ વર્ષનો સમયગાળો દર્શાવશે. જેમાં ઓ.કે. આપવું અને ત્યારબાદ શ્રમિકના નામ પછીના પ્રિન્ટ આઇ- કાર્ડ કોલમમાંથી આઇ-કાર્ડની પ્રિન્ટ કાઢી અને લેમીનેટ કરી બાંધકામ શ્રમિકને સોંપવામાં આવશે. 

*બોક્સ-૧*  
કોણ નોંધણી કરાવી શકશે? :-

ચણતર કામ કરનાર, ચણતર કામના પાયા ખોદકામ, ઈંટો માટી કે સામાન ઉપાડ કામ, ધાબા ભરવાનું કામ,  સાઈટ ઉપર મજુર કામ, ટાઈલ્સ ઘસાઈ કામ,  પ્રીફેબ્રીકેશન કોન્ક્રીટ મોડ્યુલ્સ કામ, માર્બલ ટાઈલ્સ ફીટીંગ કામ, પથ્થર કાપવા તથા બેસાડવાનુ કામ,  ટાઈલ્સ/ધાબાના કટિંગ-પોલીસીંગ, ચુનો લગાડવાનુ કામ, કલરકામ, ગટર અને પ્લમ્બિંગ કામ, ઈલેક્ટ્રીશીયનનુ કામ, ગ્લાસ પેનલ ઈન્સ્ટોલેશન કામ રસોડા કીચન બનાવવાનું કામ, ફાયર ફાઈટીંગ સીસ્ટમ ઈસ્ટો. કામ, લીફટ ઈન્સ્ટોલેશન, સીક્યોરીટી સીસ્ટમ, દરવાજા ફેબ્રીકેશન, ગ્રીલ, બારી દરવાજાનુ કામ, રોટરી કન્સ્ટ્રકશન અને ફાઉન્ડેશન,  વોટર હાર્વેસ્ટીંગ બાંધકામ, સુથારી કામ,  ફોલ્સ સિલીંગ, લાઈટીંગ કામ,  પ્લાસ્ટર ઓફ પેરીસ,  ઈંટો બનાવવી, નળીયા બનાવવા,  સોલાર પેનલ,  સોલાર ગીઝર ઈન્સ્ટોલેશન,  સ્વીમીંગ પુલ બનાવવા,  જાહેર બગીચાઓ બનાવવા,  ખાણ ખનીજ ક્ષેત્રે કામ કરતા શ્રમિકો # રેલ્વે પુલ, ઓવર બ્રીજ ક્ષેત્રના શ્રમિકો,  કંટ્રક્શન/ઈરીગેશન જેવા સાઈનેજ બોર્ડ, ફર્નિચર, બસ ડેપો, સિગ્નલીંગ સિસ્ટમ,  બાંધકામ સાઈટ ઉપરના ફક્ત શારીરીક કાર્ય કરનાર શ્રમિકો આ માટેની નોંધણી કરાવી શકશે.

*બોક્સ-૨* 
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધણીના લાભ અને આયોજનઃ-

શિક્ષણ સહાયઃ- એક વર્ષમાં બાંધકામ શ્રમિકના બે બાળકોને ધો-૧ થી ધો-૧૨ તથા પી.એચડી. સુધીના ઉચ્ચ અભ્યાસ માટે રૂા. ૫૦૦/- થી રૂા. ૪૦,૦૦૦/- સુધીની સહાય. આ સહાયની રકમ રૂા. ૧,૮૦૦/- થી રૂા. ૨ લાખ સુધી કરવાનું આયોજન છે.

     પ્રસૂતિ સહાય યોજનાઃ- નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકને રૂા. ૨૭,૦૦૦/અ અને નોંધાયેલ શ્રમિકની પત્નીને રૂા. ૫,૦૦૦/- ની પ્રસૂતિ સહાય અર્થે પ્રથમ ૨ પ્રસૂતિ પૂરતી સહાય. આ સહાયની રકમ અનુક્રમે રૂા. ૩૭,૫૦૦/- અને રૂા. ૬,૦૦૦/-કરવાનું આયોજન છે.

    મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજનાઃ- મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના અન્વયે બાંધકામ શ્રમિકની એક દિકરીને ૧૮ વર્ષની મુદતનો રૂા. ૧૦,૦૦૦/- નો બોન્ડ (એફ.ડી.) આપવામાં આવે છે. બોન્ડની રકમમાં વધારો કરી રૂા. ૨૫,૦૦૦/- કરવાનું આયોજન છે.

     મેડિકલ હેલ્થ યુનિટ (ધન્વન્તરી આરોગ્ય રથ) ઃ- બાંધકામ શ્રમિકોને વિવિધ બાંધકામ સાઇટો, કડીયા નાકાઓ, બાંધકામ સાઇટની શ્રમિક વસાહતો પર વિના મૂલ્યે પ્રાથમિક તબીબી સારવાર, લેબોરેટરી ટેસ્ટ અને દવા પૂરી પાડવામાં આવે છે. હાલ ૩૧ જિલ્લાઓમાં ૫૪ રથ કાર્યરત છે અને ૩૩ જિલ્લાઓમાં ૧૫૪ રથ કાર્યરત કરવાનું આયોજન છે.

     વ્યવસાયિક રોગોમાં સહાયઃ- આ યોજના અંતર્ગત બાંધકામ શ્રમયોગીઓને થતાં ૧૫ પ્રકારના રોગો તથા ૨૩ પ્રકારની ગંભીર ઇજાઓમાં આર્થિક સહાય માટે મહત્તમ રૂા. ૩ લાખની મર્યાદામાં માસિક રૂા. ૧,૫૦૦/- થી રૂા. ૩,૦૦૦/- ની સહાય આપવામાં આવે છે.

    આકસ્મિક મૃત્યુ સહાય યોજનાઃ-આ યોજના અંતર્ગત નોંધાયેલ કે ન નોંધાયેલ બાંધકામ શ્રમિકનું ચાલુ કામે આકસ્મિક મૃત્યુ થાય તો તેના વારસદારને રૂા. ૩ લાખની સહાય આપવામાં આવે છે.

    અંત્યેષ્ઠી સહાય યોજનાઃ- આ યોજનામાં નોંધાયેલાં શ્રમિકના મૃત્યુ બાદ અંતિમક્રિયા માટે તેના વારસદારને રૂા. ૭,૦૦૦/- ની સહાય આપવામાં આવે છે. બાંધકામ શ્રમિકની અંતિમક્રિયા માટે રૂા. ૧૦,૦૦૦/-   કરવાનું આયોજન છે.
    શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજનાઃ- ઇ.ડબલ્યુ.એસ./ એમ.આઇ.જી./એમ.આઇ.જી. યોજનામાં મકાન ફાળવણી થયેલ હોય તેવાં બાંધકામ શ્રમિક વતી રૂા. ૧,૬૦,૦૦૦/- ની રાજ્ય/ કેન્દ્ર સરકારની સહાય ઉપરાંતની રકમ મકાન ફાળવણી કરતાં સત્તામંડળના હવાલે મૂકવામાં આવે છે.

      સ્થળાંતરિત થતાં બાંધકામ શ્રમિકોના બાળકો માટેની હોસ્ટેલઃ- પોતાના વતનથી અન્ય જિલ્લાઓમાં સ્થળાંતરિત થતાં બાંધકામ શ્રમિકોના બાળકોને સ્થાનિક શાળાઓમાં રહેવાં જમવાં સાથેની હોસ્ટેલ સુવિધા.

       શ્રમિક પરિવહન યોજનાઃ- નોધાયેલાં બાંધકામ શ્રમિકને મુસાફરી માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ મારફતે પાસ પુરો પાડવાં માટે ૮૦ ટકા ખર્ચ બોર્ડ દ્વારા જે-તે મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવામાં આવે છે.

      હાઉસિંગ સબસીડી યોજનાઃ પોતાના મકાનની ખરીદી માટે મહત્તમરૂા. ૧૫ લાખ સુધીની લોન લીધેલ હોય તેવાં નોંધાયેલાં બાંધકામ શ્રમિકને રૂા. ૧,૦૦,૦૦૦/- ની (પાંચ વર્ષ સુધી પ્રતિ વર્ષ રૂા. ૨૦,૦૦૦/-) સહાય તેમના લોન ખાતામાં આપવામાં આવે છે. સહાયમાં વધારો કરી રૂા. ૧,૫૦,૦૦૦/- (પ્રતિ વર્ષ રૂા.૩૦,૦૦૦/-) કરવાનું આયોજન છે.

      બેટરી ઓપરેટેર ટુ વ્હીલર યોજનાઃ- નોંધાયેલ બાંધકામ શ્રમિક દ્વારા બેટરી ઓપરેટેડ ટુ વ્હીલરની ખરીદી કરવાં માટે રૂા. ૩૦,૦૦૦/- અથવા ભાવના ૫૦ ટકા (જે ઓછું હોય તે)  રકમ જે- તે વિક્રેતાને આપવામાં આવે છે. આ યોજના હેઠળ ત્રી-ચક્રિય વાહનનો સમાવેશ કરવાનું આયોજન છે.

 આમ, ઇ-નિર્માણ કાર્ડ દ્વારા વ્યવસાયોમાં કુશળ, અર્ધકુશળ અથવા અકુશળ પ્રકારના કામ કરનાર બાંધકામ શ્રમયોગી તરીકે નોંધણી કરાવી સરકારશ્રીના શ્રમિક વર્ગ ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની ૧૪ થી વધુ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા પ્રોજેક્ટ મેનેજર, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ, શ્રમયોગી કલ્યાણ બોર્ડ, તાપીની અખબારી યાદીમાં અપીલ કરી છે.