તાપી જિલ્લામાં કોવિડ-૧૯ સંદર્ભે જાહેરનામું: કોવિડ-૧૯ના સંક્રમણને રોકવા માટે કેટલીક પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણો મુકી નવી માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી

તાપી જિલ્લામાં કોવિડ-૧૯ સંદર્ભે જાહેરનામું: કોવિડ-૧૯ના સંક્રમણને રોકવા માટે કેટલીક પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણો મુકી  નવી માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી

માહિતી બ્યુરો, વ્યારા-તાપી ૧૨: સમગ્ર દેશમાં કોરોના વાયરસ કોવિડ-૧૯ની અસરને ઘ્યાને લેતા ભારત સરકારશ્રીના ગૃહ મંત્રાલયનાં તા.૨૯/૦૪/૨૦૨૧ના હુકમથી કન્ટેન્મેન્ટ ઝોન અને કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર જરૂરી નિયમોની અમલવારી સારૂ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ છે. જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા પણ કોરોના વાયરસની ગંભીરતાને ઘ્યાને લેતા કોવિડ-૧૯ના સંક્રમણને રોકવા માટે કેટલીક પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણો મુકી નવી માર્ગદર્શિકાઓ બહાર પાડેલ છે. જે અન્વયે તાપી જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.કે.વઢવાણિયા દ્વારા કોવિડ સંદર્ભે માર્ગદર્શિકા તથા પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

        જાહેરનામા અનુસાર જિલ્લાના તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક,ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો, ધાર્મિક  સ્થળો તથા લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં 150 વ્યક્તિઓની મર્યાદામાં અને બંધ સ્થળોએ યોજાતા આવા સમારોહમાં 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની સંખ્યા માં યોજી શકાશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઈ યથાવત રહેશે. અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ ૧૦૦ વ્યક્તિઓની મંજૂરી રહેશે.

પબ્લિક તથા પ્રાઇવેટ બસ ટ્રાન્સપોર્ટ સેવાઓ મહત્તમ ૭૫ ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે. નોન એસી. અને એસી. બસ સેવાઓ મહત્તમ ૭૫ ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે. બસ સેવાઓને રાત્રી કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવે છે.

સિનેમા હોલ, જીમ, વોટર પાર્ક, સ્વિમીંગ પુલ, વાંચનલયો, ઓડિટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો, મહત્તમ ૫૦ ટકાની ક્ષમતા સાથે ચાલુ રહેશે. જાહેર બાગ-બગીચા રાત્રિના ૧૦.૦૦ વાગ્યા સુધી કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે SOPને આધિન ચાલુ રાખી શકાશે.

તમામ શૈક્ષણિક સંસ્થાઓ, શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી સુચનાઓને આધીન અને કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત SOP સાથે યોજી શકાશે. જિલ્લામાં પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સ્પોર્ટ્સ સ્ટેડીયમ, સંકુલમાં પ્રેક્ષકો વગર રમતગમત ચાલુ રાખી શકાશે.

ઉપરોક્ત તમામ આર્થીક પ્રવૃતિઓના માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓ માટે વેક્સિનનો પ્રથમ ડોઝ ફરજિયાત રહેશે. જે વ્યક્તિઓના RTPCR ટેસ્ટ પોઝીટીવ આવેલ હોય તેવા કિસ્સાઓમાં RTPCR ટેસ્ટ પોઝીટીવ આવ્યાના ૧૪ દિવસથી હોસ્પિટલની Discharge Summaryની તારીખથી ૯૦ દિવસ પૂર્ણ થયા બાદ તુરંત જ વેક્સીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. પ્રથમ ડોઝ લીધાને નિયત સમય મર્યાદા પૂર્ણ થયેલ હોય તો બીજો ડોઝ પણ લીધેલ હોય તે હિતાવહ છે. આ ઉપરાંત વર્તમાન નિયમોનુસાર માસ્ક પહેરવું અને સામાજિક અંતર જાળવવું ફરજીયાત રહેવાની સાથે જાહેર જગ્યાએ થુંકનાર સજાને પાત્ર રહેશે.

આ જાહેરનામું તા.૨૨/૦૧/૨૦૨૨ સુધી અમલમાં રહેશે. આ સમય દરમ્યાન ભારત સરકાર તથા ગુજરાત સરકાર ઘ્વારા પ્રસિઘ્ઘ કરવામાં આવતી તમામ સુચનાઓ તથા તે અંતર્ગત બહાર પાડવામાં આવતી તમામ S.O.P.ની ચુસ્ત૫ણે અમલવારી કરવાની રહેશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ધ એપેડેમિક ડિસીઝ એક્ટ ૧૮૯૭ અન્વયે ધ ગુજરાત એપેડિમિક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન ૨૦૨૦ની જોગવાઈઓ, ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ અને ૧૩૯ મુજબ તથા ઈ.પી.કો. કલમ-૧૮૮ મુજબ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૫૧ થી ૬૦ની જોગવાઈઓ મુજબ સજાને પાત્ર થશે.