તાપી જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ અધિક્ષક સહિત પોલીસ વિભાગના અધિકારી/કર્મચારીઓએ બુસ્ટર ડોઝ લીધો

તાપી જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ અધિક્ષક સહિત પોલીસ વિભાગના અધિકારી/કર્મચારીઓએ બુસ્ટર ડોઝ લીધો
તાપી જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ અધિક્ષક સહિત પોલીસ વિભાગના અધિકારી/કર્મચારીઓએ બુસ્ટર ડોઝ લીધો

માહિતી બ્યુરો; વ્યારા-તાપી-૧૧:- સમગ્ર રાજ્યમાં ફ્રન્ટ લાઈન વર્કર્સ, હેલ્થ વર્કર્સ તથા ૬૦ વર્ષથી વધુના અને અન્ય બીમારી ધરાવતા વયસ્કોને કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ/બુસ્ટર ડોઝ આપવાનો સોમવાર ૧૦ જાન્યુઆરી થી પ્રારંભ થયો છે. ત્યારે તાપી જિલ્લામાં પ્રિકોશન ડોઝ માટે કુલ-૩૨૦૯૪ નાગરીકો પાત્રતા ધરાવે છે જેમાંથી પ્રથમ દિને ૧૪૮૨ અને આજરોજ કુલ-૫૦૨ નાગરિકોને પ્રિકોશન ડોઝ આપવાની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે.

આજ રોજ જિલ્લા કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયા અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સુજાતા મજમુદાર સહિત નાયબ પોલીસ અધિક્ષક સંજય રાય, નાયબ પોલીસ અધિક્ષક આર.એલ.માવાણી,એ.કે.પટેલે બુસ્ટર ડોઝ લઇ જાહેરજનતાને કોરોના પ્રતિરોધક રસી લેવા પ્રોત્સાહિત કર્યા છે.

જિલ્લા કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાએ વ્યારા મુખ્યમથક સ્થિત અર્બન હેલ્થ સેન્ટર ખાતે બુસ્ટર ડોઝ લઇ જાહેરજનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં કોરોના પ્રતિરોધક રસીના પ્રથમ ડોઝ ૧૦૦ ટકા પૂર્ણ અને બીજા ડોઝમાં ૯૮ ટકા સિધ્ધિ હાંસલ કરી છે. જિલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષના કિશોરોના પ્રથમ ડોઝ લેવાની કામગીરી પણ એક ઝુંબેશ રૂપે ચાલી રહી છે. તેમણે જિલ્લાના સૌ નાગરિકોને કોરોના મહામારીથી સુરક્ષિત રહેવા પોતાના બીજા ડોઝને વહેલી તકે લઇ લેવા ખાસ અપીલ કરી હતી. વધુમાં તેમણે પ્રિકોશન ડોઝ માટે તાપી જિલ્લામાં ૩૨ હજાર જેટલા નાગરિકો પાત્રતા ધરાવે છે જેઓને વહેલી તકે પોતાનો બુસ્ટર ડોઝ લેવા ખાસ આગ્રહ કર્યો હતો. આ ઉપરાંત જિલ્લાને સંપૂર્ણ સુરક્ષિત કરવા જિલ્લા વહિવટી તંત્ર અને આરોગ્ય તંત્ર રાત-દિવસ એક કરી ખુબ મહેનત કરી રહ્યા છે એમ જણાવી આગામી દિવસોમાં તાપી જિલ્લો કોરોના વાઇરસ મહામારીથી સુરક્ષિત રહે તે માટેના તમામ પ્રયત્નોમાં જાહેર જનતાને સાથ સહકાર આપવા વિનંતી કરી હતી.

આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીએ અર્બન હેલ્થ સેન્ટર ખાતે આરોગ્ય વિભાગના કાર્મચારીઓ સાથે વાતચીત કરી તેઓની કામગીરીને બીરદાવી હતી. આ વેળા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.હર્ષદ પટેલ અને અન્ય કર્મચારી ગણ ઉપસ્થિત રહ્યા હતા.